સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું

સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું

સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું

Blog Article

સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો. આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ એ.સી. ગોહિલે જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે. અમે જે ટેકનિકલ આધુનિકતા, નાગરિક સહકાર અને પ્રજાસેવાના ભાવ સાથે કામ કર્યું છે, તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે.”
૨૦૧૯ પછી આ પહેલીવાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી સુરતમાં આવીને, પ્રથમ એવોર્ડનું સેલિબ્રેશન વૃદ્ધાશ્રમમાં દીકરા અને દીકરી વિહોણા વૃદ્ધો સાથે કર્યું હતું, જેમણે હર્ષ સાથે આશીર્વાદ આપ્યા હતા.
ઈચ્છાપોર પોલીસ સ્ટેશને ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન મિલકત સંબંધી ગુનાઓમાં ૭૯% થી ૮૩% ડીટેક્શન દર નોંધાવ્યો હતો. નાસતા ફરતા ૨૪ આરોપીઓને ઝડપી પાડવા ઉપરાંત, ગુનાઓના ઝડપી નિકાલ માટે સ્ટેશનની કામગીરી પ્રસંશનીય રહી.
ટ્રક ચોરીના ગુનાઓ ઉકેલવા તથા પ્રોહિબિશન કાયદાની મક્કમ અમલવારી માટેના પ્રયાસો ઇચ્છાપોર પોલીસ મથકને શ્રેષ્ઠ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા.

Report this page